Saturday, October 31, 2020

આધ ઐતિહાસિક કાળ રાજસ્થાન


 

રાજસ્થાન

રાજસ્થાન બે મુખ્ય ભૌગોલિક એકમોનું બનેલું છે , જે દક્ષિણપશ્ચિમથી ઉત્તરપૂર્વ જતી અરવલ્લી ગિરિમાળા વડે એકબીજાથી અલગ પડે છે . ઉત્તરપૂર્વ પ્રદેશને વળી ઘગ્ગરની હવે સૂકી ખીણના બનેલા ઉત્તર વિસ્તારમાં અને છેક દક્ષિણ વિભાગમાં લૂણી નદી વડે રાહત પામતા થર રણના બનેલા દક્ષિણ વિસ્તારમાં વિભક્ત કરાય . અરવલ્લી નદીઓ સંયુક્ત કરે છે ને પર્વતો વિભક્ત કરે છે ' એ કહેવતનું પ્રશિષ્ટ દૃષ્યત છે .

 ઘગ્ગર ખીણમાં , કાલી બંગામાંની પ્રાગ-હડપ્પીય સંસ્કૃતિ સહુથી પ્રાચીન આધ-ઐતિહાસિક સંસ્કૃતિ છે. એને એ જ ખીણમાંના લઘુપાષાણ ઉદ્યોગ સાથે કંઈ સંબંધ હતો કે કેમ એ વધુ અન્વેષણ માટેની બાબત છે. આ પ્રાગ-હડપ્પીય સંસ્કૃતિએ હડપ્પા સંસ્કૃતિને ઘડવામાં કેટલે સુધી ફાળો આપ્યો એ હજી નક્કી કરવાનું છે. હડપ્પા સંસ્કૃતિનાં , તદન થોડાં સ્થળ ખીણમાં તપાસાયાં છે, જે પૈકી , કાલી બંગા ઉપરાંત , તરખનવાલા - દેરા એના કદ માટે નોંધપાત્ર છે.

ઘગ્ગર ખીણમાંનો પછીનો સાંસ્કૃતિક તબક્કો ચિત્રિત ધૂસર મૃત્પાત્રો વડે માલૂમ પડે છે , વધુ નોંધપાત્ર સ્થળો ચાક-૮૬ અને સરદારગઢ છે. અહીં એક રસપ્રદ મુદ્દો એ છે કે ચિત્રિત ધૂસર મૃત્પાત્ર લોકો રૂપડ કે આલમગીરપુરથી વિપરીત રીતે નવો પ્રદેશ વસાવવાના શોખીન હતા ને તેઓ વેરાન થયેલા હડપ્પીય ટીંબાઓ પર સ્થિર થયા.

થર ૨ણનો આદ્ય-ઇતિહાસ જ્ઞાત નથી. દક્ષિણ-પૂર્વ રાજસ્થાનના ડુંગરાળ વિસ્તારોમાં બનાસ મુખ્ય નદી છે. એના કિનારાઓ પર તેમજ એની કેટલીક ઉપનદીઓના કિનારાઓ પર એક આઈ-ઐતિહાસિક સંસ્કૃતિ શોધાઈ છે , જેનું મુખ્ય લક્ષણ રેખીય અને મિથ્યા-ભૌમિતિક રૂપાંકનો સાથે આછા ગુલાબી સફેદ રંગમાં ચિત્રિત કાળાં-અને-લાલ મૃત્પાત્ર છે . આ સંસ્કૃતિનાં મહત્ત્વનાં સ્થળ છે આહડ અને ગિલુંડ , અનુક્રમે ઉદેપુરના સીમાડા પર અને ભીલવાડા જિલ્લામાં. આ સંસ્કૃતિ આહડ જ્યાં એ પહેલી ઓળખાઈ હતી તેના તથા મુખ્ય નદી બનાસના નામે ઓળખાય છે.

આહડમાં બે મુખ્ય કાલખંડ ઓળખાયા છે. એ અનુક્રમે આઘ-ઐતિહાસિક આહડ સંસ્કૃતિના અને પ્રાચીન ઐતિહાસિક યુગના છે. મૃત્પાત્રોના આધારે , અગાઉનો કાલ વળી ઉપકાલ ૧ અ , ૧આ અને ૧ઇ માં વિભાજ્ય છે. વિશિષ્ટ સફેદ-ચિત્રિત કાળાં અને-લાલ મૃત્માત્ર આ સઘળા કાળ દરમ્યાન ચાલુ રહ્યાં , જયારે ઉપકાલ ૧અ માં ધૂસર અને મલાઈ લેપવાળાં મૃત્પાત્રોની હાજરીથી અલગ પડે છે; આવાં મૃત્માત્ર ૧આ માં અદૃશ્ય થાય છે , જ્યારે ખૂબ પકવેલાં , ચોકલેટ રંગનાં મૃત્પાત્ર અસ્તિત્વમાં આવ્યાં . ૧ઇમાં , સફેદ-ચિત્રિત કાળાં-અને-લાલ મૃત્પાત્ર લાક્ષણિક તૂતક દર્શાવતાં , ને ગુજરાતમાંના રંગપુરમાંની અનુ-હડપ્પા સંસ્કૃતિનાં વિલક્ષણ એવાં ચકચકિત લાલ મૃત્પાત્રોનાં થોડાં ઠીકરાં પણ હતાં. તેથી એ સ્પષ્ટ છે કે એના છેલ્લા તબક્કાઓમાં આહડ સંસ્કૃતિ હડપ્પા સંસ્કૃતિ કરતાં વધુ જીવી. કાર્બન -૧૪ નિર્ણય ઉપકાલ ૧અ ના વચલા થરોને ઈ.પૂ. ૧૭૨૫ +- ૧૪૦ માં મૂકે છે.

આહડના રહેવાસીઓ પથ્થરનાં ગચિયાં કે કાચી ઈંટોના પ્રાસંગિક ઉપયોગ સાથે ડાળખાં-અને- માટીનાં મોટાં ઘરોમાં રહેતા  એક ઓરડો ૯X૪.૫ સે.મી. છે. તો પણ ગિલુંડમાં , ઘર મોટે ભાગે કાચી ઈટોનાં છે ને ત્યાં ભઠ્ઠીમાં પકવેલી ઇંટોની ઇમારત પણ છે. કાચી ઈંટોની સમાંતર દીવાલોની હરોળ નિર્દેશપાત્ર છે , જેની વચલી જગ્યા રેતીથી પુરાયેલી છે ; એ સંભવિત છે કે એ કોઠારનો પડથાર હોય ને એનો ઉપલો ભાગ લાકડાનો હોય . ચૂલા, એકવડા કે મિશ્ર (પછીનામાં પાંચ જેટલાં એકમ હોય છે) , અને માટીની પાળવાળાં ભંડારિયાં પણ મળ્યાં છે. તાંબાનો ઉપયોગ આહાડમાં બંગડીઓ અને વીંટીઓ ઉપરાંત પાંચ કુહાડીઓની શોધથી પુરવાર થયો છે. પાષાણ ઓજારોની ગેરહાજરી સૂચવે છે કે આહડ સંસ્કૃતિ તામ્રયુગની છે . બનાસ સંસ્કૃતિ સાથે સંગત બીજી વસ્તુઓ છે નિશાતરા , પથ્થરની નિશાઓ , પ્રાણીઓની પૂતળીઓ , માટીનાં પકવેલાં સોગઠાં અને તક્લીનાં ચકરડાં , જેમાંના ઘણાં ઉપર ઉત્કીર્ણ રૂપાંકનો છે .

મધ્ય ભારત

 ઈ.પૂ. બીજી સહસ્ત્રાબ્દીના આરંભમાં, મધ્ય ભારતના ભાગ , ખાસ કરીને નર્મદા અને ચંબલની ખીણો , અન્ન-ઉત્પાદક અવસ્થામાં પ્રવેશી હતી. તે અવસ્થા ચોક્કસ ક્યાં શરૂ થઈ એ હજી જણાયું નથી. થોડાં સ્થળો - નર્મદા પર મહેષ્વર અને નાવડાટોલી, ચંબલ પર આવરા અને નાગદા અને બીજા પર એરણા-એ થયેલાં ઉત્પનનોએ એવા લોકોનું અસ્તિત્વ દર્શાવ્યું છે, જેઓનાં પાનાનાં ઓજારોમાં હજી લધુપાષાણોની થોડી ટકાવારી મળે. તેઓ એરણમાં હતું તેમ માટીની દીવાલની કિલ્લેબંધીવાળી વસાહતોમાં કે નાવડાટોલીમાં હતું તેમ ખુલ્લાં અને કેંદ્રીકૃત ગામોમાં રહેતા ખેડૂત હતા. પછીના સ્થળમાંનાં ઘર નજીક નજીક ખોડેલા લાકડાના થાંભલાઓ વડે બનાવેલા એક-બે ઓરડાનાં હતાં. એને અંદરની બાજુથી તથા બહારની બાજુથી માટી વડે લીંપેલા અને ચૂનાનો હાથ લગાવેલા વાંસના પડદાથી વધુ આવૃત કરવામાં આવ્યાં હતાં. છાવણ ગૃહીત રીતે ઝુંપડીના પ્લેન પર આધાર રાખી સપાટ કે શંકુ ઘાટનાં હતાં , ને વાંસના પડદા પર ગોઠવેલાં ડાળખાં અને માટીથી બનાવેલાં હતાં. રાંધવા, ખાવા, પીવા અને ભરવા માટેનાં વાસણ હતાં, ને અનાજ દળવા માટે નિશાતરા, ને પીસવા માટે અનેક પ્રકારની નિશાઓ હતી . નાના ગોળ દડા જેવા પથ્થર ગોફણના પથ્થર તરીકે વપરાયા હશે, ને વધુ ચપટા પાયાવાળા પથ્થર તોલાં તરીકે થોડા નાના અને મોટાં ભારવનાં વાસણ અને કણેક બાંધવા માટેની થાળીઓ સિવાય, મૃત્પાત્રો ચિત્રિત છે. લાલ મૃત્પાત્રો પ્રાચુર્ય ધરાવે છે, પરંતુ ક્રીમ પર-સફેદ કે પીળી અને કાળા-પર-સફેદ સપાટીનું થોડું પ્રમાણ છે. છેલ્લાં બે તબકકા ૧ અને ૨ માં હોય છે, પણ એમાંનું પહેલું વસાહતની સમસ્ત જીંદગી દરમ્યાન ચાલુ રહે છે, જે અનેક કાર્બન -૧૪ નિર્ણયો અનુસાર ઓછામાં ઓછાં ૫૦૦ વર્ષ ( ઈ.પૂ. ૧૭૦૦-ઇ.પૂ.૧૨૦૦ ) ટક્યાં હતાં. મૃત્પાત્રોના કેટલાક ઘાટ-નાળીદાર પ્યાલા , નાળીદાર નાળચાવાળા વાડકા અને લોટા-પછી વિરલ થાય છે ને તેઓને સુંદર રૂપરેખા અને રૂપાંકન હોય છે. આમાંના લગભગ ૫૦૦ ની યાદી બની છે. ચૂલા બે પ્રકારના હતા - એક મોંવાળા અને ઘણાં મોંવાળા. પછીનાને આશ્ચર્યકારક રીતે નીચે દીવાલો અને ચૂનાથી ધોળેલ અગ્રભૂમિકા હતી .

આરંભિક ખેડૂત બે પ્રકારના ઘઉં ઉગાડતા જાડા છેડાવાળી નાની જાત અને અણીદાર છેડાવાળી લાંબી જાત. કઠોળના પાંચ પ્રકાર હતા-મસૂર, અડદ,મગ,વટાણા અને રેવન; ને બીજા ચાર અણ- ઓળખાયેલાં કઠોળ હતાં, ખોરાક પ્રાય : અળશીયા તેલથી રંધાતો , જેમ ઉત્તર પ્રદેશના ભાગોમાં આજે પણ રંધાય છે. રહેવાસીઓની ખોરાક સામગ્રીમાં ચોખાનો પ્રવેશ તબક્કા ૨ (લગ.ઈ.પૂ. ૧૫૦૦) માં થાય છે . ચોખાનો તેમજ મસૂર , અળશી અને અડદનો આ સહુથી પ્રાચીન પુરાવો છે .

આ ધાન્ય કેવી રીતે ઉત્પન્ન કરાતાં એ જણાયું નથી , કેમ કે હળના કોઈ અવશેષ મળ્યા નથી . પથ્થરનાં સંખ્યાબંધ ચકરડાં , જો ગદાનાં ફળાં તરીકે ન વપરાયાં હોય તો ખોદવાની લાકડીઓ માટેનાં વજનિયાં તરીકે વપરાયાં હશે .

ઘઉંના છોડ પ્રાયઃ કૅલ્સડનીના દાંત જડેલાં લાકડાનાં દાતરડાં વડે કપાતા હતા , એવી રીતે કાપવા માટેની અને ઝાટકા મારવા માટેની છરીઓ એ જ પથ્થરનાં એવાં નાનાં પાનાં વડે બનાવાતી , જેનાં હજારો નંગ નાવડાટોલીમાં મળ્યાં છે .

 વનસ્પતિજન્ય ખોરાક આહારનો મુખ્ય ભાગ હતો, જ્યારે ઢોર, ડુક્કર, ઘેટાં કે બકરાંના અવશેષોની ઘરના કચરાના ઢગલામાં રહેલી હાજરી દર્શાવે છે કે પશુઓને પાળવામાં અને ઓછામાં ઓછું વસ્તીના એક ભાગ વડે ખાવામાંય આવતાં હતાં.

માળવાના આરંભિક ખેડૂત સ્પષ્ટતઃ સારી સ્થિતિમાં અને કદાચ તદન સ્વાવલંબી હતા , જો કે પ્રાયઃ તાંબા માટે પરાવલંબી હતા, તાંબુ જૂજ પ્રમાણમાં વપરાતું ને ચપટી કુહાડીઓ , માછલાંની આંકડીઓ , ચાંપો , વીંટીઓ અને ઊપસેલી વચલી પટ્ટીવાળાં ખંજરો કે ખડગોરૂપે નાનાં પ્રમાણમાં હોય છે . રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને દખ્ખણ સાથેનો સંપર્ક અનુક્રમે સફેદ રંગમાં ચિત્રિત કાળાં-અનેલાલ મૃત્પાત્ર , ચકચક્તિ લાલ મૃત્પાત્રો અને બારીક ઝાંખાં મૃત્પાત્રોથી માલૂમ પડે છે.

માળવામાં અને અન્યત્ર - એરણા, નાગદા, આવરા અને મહેશ્વરમાં - આ તામ્રપાષાણ સંસ્કૃતિના લય માટેનો અંતિમ સમય ગમે તે હોય, એની પછી સાદાં કાળાં-અને-લાલ મૃત્પાત્ર , આહત સિક્કા અને લોખંડનાં લક્ષણ ધરાવતી સંસ્કૃતિ આવી. પ્રાયઃ આ લોહયુગ ઉજ્જયિની , જે અનુશ્રુતિ અને સાહિત્યિક પુરાવા અનુસાર , બુદ્ધના સમકાલીન પ્રધોતની રાજધાની હતી , તેના ઉદય સાથે શરૂ થયો . કૌશાંબીની જેમ , ઉજ્જયિની ઉત્તરનાં મહાજનપદોમાંનું એક હતી ને એને મજબૂત કિલ્લેબંધી હતી. એના પ્રાચીનતમ તબક્કામાં લોખંડ હતું એને પુરાતત્ત્વ વડે સમર્થન મળે છે .

 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home