Saturday, November 7, 2020

ઇ.પૂ. ૬ ઠ્ઠી સદીથી ૪ થી સદીનો રાજકીય ઇતિહાસ


 

ઇ.પૂ. ૬ ઠ્ઠી સદીથી ૪ થી સદીનો રાજકીય ઇતિહાસ

મગધ સામ્રાજ્યની સ્થાપનાઃ પહેલી વાર, બૌદ્ધ શાસ્ત્રો આપેલા સમયેગૌતમ બુદ્ધના જીવનકાલમાં ભારતની રાજકીય સ્થિતિનું ચોક્કસ ચિત્ર આપે છે. આ સમય લગભગ ઈ.પૂ. ૬ ઠ્ઠી સદીનો ગણાય . એવું જણાય છે કે ત્યારે કોઈ સાર્વભૌમ રાજા નહોતો ને ઉત્તર ભારત મોટાં નાનાં અનેક રાજયોમાં વિભક્ત હતું. બૌદ્ધ સાહિત્યમાં એમાંનાં સોળને મહાજનપદ ' કહ્યાં છે . આમાંનાં કેટલાંક પર વંશપરંપરાગત રાજાઓ રાજ્ય કરતા હતા, પણ બીજાં ગણતંત્રીય કે અલ્પતંત્રીય હતાં , જેના પર કાં તો સમગ્ર લોકોના પ્રતિનિધિઓ અથવા તો કુલીનો રાજ્ય કરતા હતા. મહત્ત્વની ભૂમિકા ભજવતાં એમાંનાં ચાર રાજ્ય હતાં હર્યક વંશ નીચેનું મગધ કે દક્ષિણ બિહાર ; પ્રાચીન ઐક્ષ્વાકુઓ વડે શાસિત કોસલ અથવા અવધ ; પ્રસિદ્ધ પૌરવો નીચેનું વત્સ ; અને પ્રદ્યોત વંશ નીચેનું ઉજ્જયિની રાજધાની ધરાવતું અવંતિ કે માળવા . ઓછા મહત્ત્વનાં રાજ્યોમાં કાશી , મત્સ્ય( જયપુર ) અને કુરુ-પંચાલ ( પશ્ચિમ ઉત્તર પ્રદેશ ) હતાં , જે મહભારતમાં પણ જણાવ્યાં છે.

        બિન-રાજતંત્રીય જાતિઓમાં સહુથી મહત્ત્વની આઠ ઉપજાતિઓનો વૃજિસંઘ હતો , જેમાં સહુથી પ્રબળ લિચ્છવિઓ હતી , તે વૈશાલી (બિહારના મુઝફફરપુર જિલ્લામાંનું બસાઢ) ની રાજધાનીમાં રાજય કરતા હતા. બીજાઓમાં કપિલવસ્તુ (નેપાલ તરાઈમાં )ના શાક્રયો , અને મલ્લ નામે બે ઉપજાતિઓ હતી , જેમની રાજધાનીઓ પાવામાં અને કુશીનગરમાં હતી . કુશીનગરનું અભિજ્ઞાન ગોરખપુરની પૂર્વે ૫૬ કિ.મી. પર આવેલા કસિયા સાથે થયું છે . પાવા નામે બે નગર હતાં , એક કુશીનગર પાસે ને બીજું બિહારમાંના રાજગીર પાસેનું પ્રસિદ્ધ તીર્થધામ હતું . આ ઉપજાતિઓને વંશપરંપરાગત રાજા નહોતો ; રાજ્યતંત્ર કાર્યવાહક સમિતિની મદદ ધરાવતી સંસદને અને સમયે સમયે એના વડે ચૂંટાતા મુખિયાને હસ્તક હતું.



ચાર રાજયોના રાજાઓ વચ્ચે વૈવાહિક સંબંધ હતો . પણ એ તેઓને આધિપત્ય માટે એકબીજા સાથે યુદ્ધ કરતાં રોકતા નહિ . દાખલા તરીકે , અવંતિના રાજા પ્રદ્યોત પોતાના જમાઈ કૌશાંબીના રાજા ઉદયન સાથે યુદ્ધ કરતા , પરંતુ તેઓને સ્પર્ધામાં ખસી જઈ કોસલ અને મગધના રાજાઓને મોકળાશ આપવી પડી . કોસલ રાજા પ્રસેનજિતે કાશી જીત્યું ને એમના પુત્રે પછીથી કપિલવસ્તુના શાક્ય રાજ્યનો નાશ કર્યો . મગધના રાજા બિંબિસારે અંગ (ભાગલપુર) જીત્યું ને એમના પુત્ર અજાતશત્રુએ લિચ્છવિઓને હરાવ્યા . પરંતુ બિંબિસાર પ્રસેનજિતની બહેનને પરણ્યા હતા, તો પણ બીજી રાણીના પુત્ર અજાતશત્રુને કોસલ સાથે લાંબ સમયનો વિગ્રહ ચાલ્યો , જેમાંથી મગધ પ્રબલતર સત્તા તરીકે આગળ આવ્યું ને , રાજાઓના સમર્થ વંશ નીચે , શક્તિશાળી સામ્રાજ્યમાં જલદી વિકસ્યું . ઉપર જણાવેલા રાજાઓ ગૌતમ્ બુદ્ધના સમકાલીન હતા , જે  અજાતશત્રુના રાજયકોલના આઠમા વર્ષમાં પામેલા .

 મગધ ઉત્તર ભારતમાં રાજકીય આગેવાની સ્થાપના મથતું હતું , ત્યારે પશ્ચિમ પરના સરહદી પ્રદેશ પંજાબ , સિંધ અને અફઘાનિસ્તાન સંખ્યાબંધ રાજ્યોમાં વહેંચાયા હતા . આમાંનાં બે , માત્ર કંબોજ અને ગંધાર( કાશ્મીર અને અગાઉના વાયવ્ય સરહદ પ્રાંતનો ભાગ) , બૌદ્ધ શાસ્ત્રોમાં જણાવેલાં સોળ મહાજનપદોમાં સમાયાં હતાં. ગૌતમ બુદ્ધના જીવનકાળ દરમ્યાન , ઈરાનના બળવાન હખામની શહેનશાહ દારયસે (ઈ.પૂ. ૫૨૨-૪૮૬ ) પંજાબનો ભાગ અને સિંધ જીત્યાં. ભારતમાંના ઈરાની મુલકનો વિસ્તાર ચોક્કસ રીતે નક્કી કરી શકાતો નથી ; એ દારયસના સામ્રાજયની વીસમી સત્રપી બન્યો, ને પાંચ લાખ રતલ સ્ટર્લિંગથી વધુ પ્રમાણની સુવર્ણ-રજમાં વાર્ષિક મહેસૂલ આપતો .

પરંતુ પશ્ચિમ પરના દૂરના મોરચે થયેલા આ વિદેશી આક્રમણના ભયથી બિનવાકેફ કે અજાણ, મહાપદ્મ નંદ , જેમણે મગધમાં નવો રાજવંશ સ્થાપ્યો હતો , તેમણે જૂનાં રાજ્યોના અવશેષોનો નાશ કર્યો ને તેઓનાં ખંડેરો પર સામ્રાજય બાંધ્યું , જેમાં કાશ્મીર , પંજાબ અને સિંધ સિવાયનું સમસ્ત ઉત્તર ભારત , તેમજ કલિંગ અને પ્રાયઃ દખ્ખણના કેટલાક બીજા ભાગોનો સમાવેશ થયો હતો. આમ ઉત્તર ભારતમાં પહેલું મહાન ઐતિહાસિક સામ્રાજ્ય સ્થપાયું. શૂદ્ર મહાપદ્મ નંદે ક્ષત્રિય રાજાઓ બિંબિસાર અને અજાતશત્રુએ શરૂ કરેલું કાર્ય પૂરું કર્યું .

 સિકંદરની ચડાઈ : 



મહાપદ્મ નંદના મૃત્યુ બાદ થોડા વખતમાં , ભારત ઉપર પ્રાચીન જગતના વિખ્યાત વિજેતા , મકદુનિયાના મહાન સિકંદરે મે , ઈ.પૂ. ૩૨૬ માં ચડાઈ કરી . તક્ષશિલા(હાલ પાકિસ્તાનમાંના રાવલપિંડીથી ૩૨ કિ.મી. ઉત્તર પશ્ચિમે આવેલું તક્ષિલા) ના ભારતીય રાજાએ એને આવકાર આપ્યો ને આ અનુચિત દૃષ્ટાંતને થોડા બીજા ભારતીય શાસક અનુસર્યા , પરંતુ ઘણા ખરા ભારતીય રાજાઓએ તથા બિન - રાજતંત્રીય જાતિઓએ સખ્ત સામનો કર્યો. સિંધુની પૂર્વે , ઝેલમ અને ચીનાબ નદીઓની વચ્ચેના નાના રાજ્યનો રાજા , જેને ગ્રીકોએ પોરસ ’ ( પ્રાય : પૌરવ'નું ગ્રીક રૂ૫ ) કહ્યો , તેણે એવો સામનો કર્યો , જેના જેવો સામનો સિકંદરની સામેના સમસ્ત આક્રમણમાં થયો નહોતો . પોરસને પરાજિત કરી શરીર પર નવ ઘા સાથે પકડવામાં આવ્યો , પણ એને એના મહાન પ્રતિપક્ષ તરફથી માનભર્યો વર્તાવ મળ્યો . સિકંદરની વિજયી પ્રગતિ બિયાસ નદીના તટે રોકાઈ ગઈ , જેની પાર નંદોનું સામ્રાજ્ય આવેલું હતું. આ સ્થાનથી થયેલી સિકંદરની પીછેહઠનું દેખીતું કારણ ગ્રીક સૈનિકોની આગળ વધવાની અનિચ્છા હતું, પરંતુ એ અસંભવિત નથી કે મોટા સંગઠિત વિપક્ષ સૈન્ય સામે લાંબી કૂચો અને લડાઈઓ વડે થાકી ગયેલા ને ક્ષીણ થયેલા સૈન્ય વડે લડવામાં રહેલું જોખમ આ નિર્ણય પર આવવામાં સિકંદરના મનમાં ઘણું ધોળાયું હોય . પાછા ફરતાં એને મલ્લોઈ (માલવો) અને ઓકસીદ્રકઈ ( ક્ષુદ્રકો) જેવી બળવાન જાતિઓ સાથે લડવું પડ્યું હતું . સિકંદરે ઈ.પૂ . ૩૨પ માં હિંદ છોડ્યું ને એ બે વર્ષ બાદ  બેબિલોનમાં મૃત્યુ પામ્યો .  હિંદ છોડતા પહેલાં , સિકંદરે પોતે જીતેલા ભારતીય મુલકોના વહીવટ માટે વ્યવસ્થા કરી હતી . એણે જુદાં જુદાં કેંદ્રોમાં કેટલાક ગ્રીક સત્રપ મૂક્યાને પોરસને ઝેલમ અને ચીનાબની વચ્ચેના સમગ્ર મુલકનો શાસક નીમ્યો . તક્ષિલા અને અભિસારના રાજાઓ , જે સિકંદરને વિના વિરોધે વશ થયા હતા , તેઓને પોરસના મુલકની અનુક્રમે પશ્ચિમે અને ઉત્તરે આવેલા મુલકોના શાસક બનાવ્યા , પરંતુ આ વ્યવસ્થા અંશતઃ સિકંદરના જીવનકાળ દરમ્યાન પણ અને પૂર્ણતઃ એના મૃત્યુ બાદ તૂટી પડી . ઈ.સ. ૩૨૧ માં સિકંદરના સામ્રાજ્યનું એના સરદારો વડે બીજું વિભાજન થયું ત્યારે સિંધુની પૂર્વના ભારતીય પ્રાંતોએ સ્વાતંત્ર્ય પાછું મેળવ્યું ને ભારતમાં ગ્રીક શાસનની કોઈ નિશાની રહી નહિ , જો કે કેટલાંક ગ્રીક લશ્કરી થાણાં છૂટાંછવાયાં સ્થળોએ થોડાં વધુ વર્ષ ટકી રહ્યાં . સિંકદરની ચડાઈએ હિંદ અને પશ્ચિમી દેશો વચ્ચે વ્યવહાર ખોલી દીધો અને આનાં મહત્ત્વનાં પરિણામ આવ્યાં ; પણ બીજી બધી રીતે અને પછીના સમયના સુલતાન મહમૂદ , તિમૂર કે નાદીરશાહની ઉત્તરોત્તર વિદેશી ચડાઈઓથી જુદી પાડવા જેવું કંઈ નથી , કેમ કે , ગ્રીક લેખકોની કબૂલાત મુજબ , સિકંદરે મોટા પાયા પર પાયમાલી અને હત્યા ચલાવી હતી , એ કબજે કરેલાં નગરોના રહેવાસીઓની હત્યા કરતો ને તેમાં સ્ત્રીઓને કે બાળકોને ય બાકાત રાખતો નહિ . કેવળ નીચલી સિંધુ ખીણ પરની એની ચડાઈ દરમિયાન ૮૦,000 ભારતીયોને મારી નાખવામાં આવ્યા હતા અને ઘણા બધાને ગુલામો તરીકે વેચવામાં આવ્યા હતા .

 

 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home