Thursday, November 5, 2020

આર્યોનુ દેશાંતર્ગમન



 


                        આર્યોનું દેશાંતર્ગમન

ઈ.પૂ. ૨જી સહસ્ત્રાબ્દીમાંના કોઈ સમયે સામાન્યતઃ આર્યો કે ભારતીય-આર્યો કહેવાતી એક નવી જાતિ ભારતમાં પ્રવેશી. ' આર્ય શબ્દ સંસ્કૃતમાંના આર્યકે જંદમાંનાઐર્યનમાંથી લેવાયો છે , જેનો અર્થ સારા કુલનો થાય છે. આ લોકોની ઉત્પત્તિ માટે ઘણા મત પ્રવર્તે છે. સહુથી વધુ સ્વીકૃત મત એ છે કે તેઓ પોલેન્ડથી મધ્ય એશિયા સુધી વિસ્તરતી મોટી સૂકી ભૂમિમાં રહેતા હતા. ' તેઓ અર્ધ-ભ્રમણશીલ લોકો હતા . ઈ.પૂ. ૨ સહસ્ત્રાબ્દીમાં તેઓ પોતાના મૂળ વતનથી ખસવા લાગ્યા ને તેઓએ પશ્ચિમ , દક્ષિણ અને પૂર્વ તરફ દેશાંતરગમન કર્યું . યુરોપ તરફ જે શાખા ગઈ તે ગ્રીકો , રોમનો , સેલ્ટો અને ટ્યૂટનોના પૂર્વજ હતા . બીજી શાખા એનેટોલિયા ગઈ . હિતાઇતોનું મહાન સામ્રાજ્ય મૂળ રહેવાસીઓ સાથેના આ લોકોના મિશ્રણમાંથી વિકસ્યું. આર્યોની એક શાખા તેઓના મૂળ વતનમાં રહી. તેઓ સ્લાવોનિક લોકોના પૂર્વજ હતા. જેઓ દક્ષિણ તરફ ખસ્યા તેઓ પશ્ચિમ એશિયાની સભ્યતાઓ સાથે સંઘર્ષમાં આવ્યા. બેબિલોનને જીતનાર કાસાઇતો આ શાખાના હતા. એશિયા માઇનોરમાંના બોઘાઝ-કોઈ , જેનો સમય લગભગ ઈ.પૂ.૧૪00 છે તેનાં ઉત્ખનનોમાં ઇન્દ્ર , વરુણ અને નાસત્યા જેવા દેવોનાં નામ ધરાવતા અભિલેખ મળ્યા છે. આ દેવ ઋગ્વેદમાં પણ જણાવ્યા છે. મિસરમાં તેલ એલ-અમરનામાં શોધાયેલી કીલાક્ષર લખાણોવાળી માટીની તકતીઓ , જેમાં ભારતીય - આર્ય નામો ધરાવતા, ઉત્તર પશ્ચિમ મેસોપોટેમિયામાંના મિતન્નીના રાજાઓના ઉલ્લેખ મળ્યા છે તે બોઘાઝ - કોઈના જ સમયની છે.

 પૂર્વ કે દક્ષિણ તરફના તેઓના પ્રવાસ દરમિયાન આર્યોના એક સમૂહે ઈરાનમાં વસવાટ કર્યો હતો ને પોતાની સભ્યતા વિકસાવી હતી. પછીથી , તેઓની એક શાખાએ હિંદુકુશ ઓળંગી અફઘાનિસ્તાનમાં થઈને ભારતમાં પ્રવેશ કર્યો. તેઓએ મૂળ રહેવાસીઓને હરાવીને પંજાબ કબજે કર્યું ને આખરે ઉત્તર ભારતનો મોટો ભાગ જીતી લીધો.

 ભારતમાં આર્યોનું આક્રમણ અથવા દેશાંતર્ગમન કે પ્રવેશન એ એક વ્યવસ્થિત કાર્ય નહોતું , પરંતુ સદીઓ પ૨ વિસ્તરતું કાર્ય હતું . તેઓ ટૂંકા ટૂંકા અંતરે એક પછી એક ધસારામાં આવ્યા ને તેઓને દેશના આદિમ લોકો સાથે સખ્ત સંઘર્ષ થયો. ઋગ્વેદમાં કંડિકાઓ છે, જે એ સંધર્ષની તીવ્રતા જણાવે છે , આર્યોએ શત્રુઓનાં ઘણાં નગરોનો નાશ કર્યો ને જિતાયેલા મૂળ વતનીઓમાંના ઘણા ખરાને આખરે દાસ બનાવી દેવાયા , છતાં તેઓને સમાજમાં એક અલગ વર્ગ તરીકે સ્થાન અપાયું . પુરાતત્ત્વીય પુરાવાના અભાવે ભારતમાં આર્યોના થયેલા વિસ્તરણનો ચોક્કસ માર્ગ ચીંધી શકતો નથી . એવું લાગે છે કે હડપ્પા અને મોહેં -જો-દડોના પતન પછી આ કેન્દ્રોની નાગરિક સભ્યતાનો અંત આવ્યો, આર્ય વસાહતો લાકડાં અને સરખટનાં રહેઠાણોવાળાં ગામોની હતી , જે ઘણા સમય પર નષ્ટ થઈ ગઈ . હડપ્પાના પતન અને ભારતમાં આર્યોની વસાહત વચ્ચેના કાલનો ઇતિહાસ ધણો ઓછો જાણવામાં આવ્યો છે , પરંતુ તાજેતરનાં પુરાતત્ત્વીય ઉત્પનન સામાન્ય ખ્યાલ બાંધવામાં ઘણાં મદદરૂપ છે . છતાં ઉપર સૂચવેલાં આર્યોની હિલચાલોનાં સમયાંકનોને કામચલાઉ ગણવાં જોઈએ .

                        ઋગ્વેદની સભ્યતા

આર્યોનો પવિત્ર ગ્રંથ , ઋગ્વેદ એકમાત્ર સાહિત્યિક સ્ત્રોત છે, જેમાંથી આપણે ભારતમાંના આર્યો વિશે જાણીએ છીએ . એ અમુક સમયની એક વૈયક્તિક કૃતિ નથી . એ શતકોના ગાળા દરમિયાન વિકસી હતી ને પેઢીથી પેઢી મૌખિક રીતે તરી આવી હતી . ઋગ્વેદ સંહિતા આર્યોનું સહુથી પ્રાચીન સાહિત્યિક સર્જન છે , જે વૈદિક સભ્યતાના સહુથી પ્રાચીન તબક્કા માટેનો સ્ત્રોત બની રહે છે.

 નોંધ:- કેટલાક ભારતીય વિદ્વાન માને છે કે ભારત આર્યોનું મૂળ વતન હતું , જયાંથી તેઓએ એશિયા અને યુરોપના જુદા જુદા ભાગોમાં સ્થળાંતર કર્યું ,

સામાજિક જીવન:  કેટલાક વિદ્વાનો માને છે કે જ્ઞાતિપ્રથા, જે ભારતીય જીવનનું એક વિશિષ્ટ લક્ષણ છે , તે ઋગ્વેદના યુગ જેટલી પ્રાચીન છે , તેઓ દલીલ કરે છે કે 'વર્ણ’ (વાન) શબ્દ જે પછીથી જ્ઞાતિનો અર્થ ધરાવતો તે ઋગ્વેદમાં આવે છે , વૈદિક આર્યોએ સમાજનું ત્રિગુણ અને ચતુર્ગુણ વિભાજન વારસા તરીકે ભારત-યુરોપીય કે ઓછામાં ઓછા ભારત-ઈરાની કાલમાંથી પ્રાપ્ત કર્યું, ' વર્ણ ' શબ્દ ઋગ્વેદમાં માત્ર અનુક્રમે ગૌર અને શ્યામ વાન ધરાવતા આર્ય અને દાસનાં સંબંધમાં પ્રયોજાયો છે, પરંતુ કદી બ્રાહ્મણ કે રાજન્ય(ક્ષત્રિય) ના સંબંધમાં નહિ, તેઓના ઉલ્લેખ ઋગ્વેદમાં વારંવાર આવે છે તો પણ. આર્ય અને દાસ માત્ર તેઓની ચામડીના વાનમાં જ નહિ , પરંતુ તેઓની પૂજા અને વાણીમાં ય જુદા પડતા . તેઓનો ભેદ જાતીય અને સાંસ્કૃતિક હતો . બ્રાહ્મણ , રાજન્ય અને વૈશ્યનો આર્ય વર્ણ બન્યો હતો , જે આર્યેતરોના દાસ વર્ણથી વિરુદ્ધ હતો.

 બીજી દલીલ એ રજૂ કરવામાં આવી છે કે ઋગ્વેદના એક ભાગ પુરુષ-સૂક્તમાં જણાવ્યું છે કે બ્રાહ્મણ  રાજન્ય , વૈશ્ય અને શુદ્ધ અનુક્રમે પુરુષના મુખ , બાહુ , ઊરુ અને પગમાંથી ઉદ્દભવ્યા છે, ને આ નામ પછીથી ચાર જ્ઞાતિઓ દર્શાવતાં . પરંતુ પુરુષ-સુસ્ત એ અનુકાલીન પ્રક્ષેપ છે. પૂર્વકાલીન સ્તરમાંનાં અન્ય સૂક્ત બ્રાહ્મણ , રાજન્ય અને વૈશ્યનો ઉલ્લેખ કરે છે , પણ એ વર્ગ વંશપરંપરાગત થયા હતા એવું દર્શાવવા માટે કંઈ નથી. એ વર્ગ માત્ર કર્મ-વિષયક હતા.

 બ્રાહ્મણ અને રાજન્યના ધંધા વિશ(સામાન્ય લોકો) થી ઠીક ઠીક ઊંચા દરજ્જા ધરાવતા , છતાં એ વ્યાવર્તક કે વંશપરંપરાગત ન હતા. બ્રાહ્મણ રણભૂર્ભિમાં જતા અને રાજન્ય બીજાઓ માટે યશો કરતા. બ્રાહ્મણોનાં રાજન્ય સ્ત્રીઓ સાથેનાં લગ્નોના તથા આર્યો અને દાસોના સંયોગના દાખલા છે. વળી, શૂદ્રોએ રાંધેલો ખોરાક લેવા પર કોઈ નિષેધ નહોતો અને અસ્પૃશ્યતાનું કોઈ નામનિશાન નહોતું .

આમ , ઋગ્વેદમાં આર્યો અને આદિવાસીઓ વચ્ચે સ્પષ્ટ ભેદ હતો , જયારે આર્યોની અંદરના ત્રણ વર્ગો વચ્ચે વંશપરંપરા કે વ્યાવર્તકત્તાની બાબતમાં કોઈ ભેદ નહોતો .

 કુટુંબ , જે સામાજિક અને રાજકીય વ્યવસ્થાનો પાયો હતું , તે પિતૃપ્રધાન પ્રકારનું હતું , માતૃપ્રધાન તંત્ર અજ્ઞાત હતું . સંયુક્ત કુટુંબનો નિર્વિવાદ પુરાવો છે . એમાં માતાપિતા , દાદા દાદી , પત્ની , ભાઈઓ , બહેનો , પુત્રો , પુત્રીઓ , પિતરાઈ ભાઈ બહેનો , ભત્રીજાઓ , ભાભીઓ અને કેટલીક વાર સાસુનો સમાવેશ થતો. મજિયારાં રહેઠાણ , ખોરાક અને પૂજા સભ્યોમાં સગાઈનાં ર્દઢ બંધન ઘડતાં .

પિતા કુટુંબનો વડો હતો . એને સિદ્ધાંતમાં બાળકોના જીવન પરપુર્ણ સત્તા હતી તેમજ કુટુંબની મિલકત પર પૂરો અંકુશ હતો , જેના એ પોતાને ફાવે તે રીતે ભાગ પાડી શકતો . વ્યવહારમાં , આ સત્તાઓ વિવેકપૂર્વક પ્રયોજાતી . પિતાના મૃત્યુ કે શારીરિક અક્ષમતાના કારણે ઘરનો વહીવટ જ્યેષ્ઠ પુત્ર ઉપર ઊતરતો.



 ભારતમાંના આર્ય ભ્રમણશીલ મટી ગયા હતા ને તેઓએ સ્થાયી જીવન અપનાવ્યું હતું , જેથી કરીને કુટુંબ લાકડા અને વાંસનાં બનેલાં પ્રાથમિક પ્રકારનાં સ્થાયી રહેણાક ઘરોમાં રહેતાં, લાકડાનાં બાંધેલાં ખસેડી શકાય તેવાં ઘર પણ હતાં , જે જુદાં જુદાં સ્થળોએ ટુકડાઓમાં લઈ જઈ પાછાં લગાવી શકાતાં . ઈટો અગ્નિ -કુંડો બાંધવા માટે વપરાતી તો પણ . બીજી ઇમારતોમાં તેઓના ઉપયોગનો કોઈ પુરાવો નથી. ઘરમાં બેઠકખંડ અને સ્ત્રીઓ માટેના ખંડો ઉપરાંત ઘણી ઓરડીઓ  હતી , આવાં અનેક ઘ૨ પરસ્પર સંરક્ષણનાં પ્રયોજનો માટે એકબીજાની પાસે બંધાતાં ને તેઓનું ગામ રચાતું , નગર-જીવનની કોઈ નિશાની નથી .

 નોંધ:-ઋગ્વેદની સભ્યતા , જે હાલ અફધાનિસ્તાન , પંજાબ , સિંધ અને રાજસ્થાનના ભાગ , વાયવ્ય સરહદ પ્રાંત , કાશ્મીર અને પૂર્વ ભારત છે , તેમાં સરયું (ઘાઘરા નદી) સુધી વિકસી, ઉત્તરકાલીન વૈદિક સભ્યતા નર્મદાની ઉત્તરે આવેલા આખા ભારતમાં અને એની દક્ષિણે આવેલા કેટલાક પ્રદેશોમાં વિકસી .

 નિરામિષ તથા સામિષ-બંને આહાર લેવાતા . ઘઉં અને જવ પ્રાયઃ મુખ્ય ધાન્ય હતાં , ચોખા પછીથી દાખલ થયા. ગળ્યા પૂડા અને રોટલી જેવી વાનગીઓના ઉલ્લેખ મળે છે. દૂધ , માખણ , ઘી અને દહીં તથા શેરડી , ફળ અને શાક પણ હતાં. માછલાં , પક્ષીઓ , બકરાં અને ઘેટાં , ઘોડા અને ઢોર સામિષ ભોજનનાં ભાગ હતાં . ખોરાક માટીનાં વાસણોમાં રંધાતો અથવા ચૂલાઓ પર પકવાતો . પરંતુ કેટલાક ભારતીય વિદ્વાનો એવો મત ધરાવે છે કે ઋગ્વેદના આર્ષ નિરામિષાહારી હતા . પીણાંમાં સોમનો સમાવેશ થતો , એ પહાડી છોડનો માદક રસ હતો ને એનો ઉપયોગ ધાર્મિક વિધિઓમાં મર્યાદિત હતો . પીણામાં સુરાનોય સમાવેશ થતો , એ હળવું માદક પીણું હતું. ઋગ્વેદની કેટલીક ઋચાઓમાં સુરાપાન સારું ગણાયું નથી . પરંતુ પછીના સમયમાં એને ધૂતકારવામાં આવ્યું .

પોશાકમાં સામાન્ય રીતે બે કે ત્રણ વસ્ત્રોનો સમાવેશ થતો-અંદરનું વસ્ત્ર , વસ્ત્ર અને ઉપરનું વસ્ત્ર અથવા ઉત્તરીય , વસ્ત્ર સામાન્ય રીતે ઊનનાં કે ચામડાનાં બનાવાતાં , ને એને પીળાં કે લાલ રંગતા . સોનાનાં ઘરેણાં , જેવાં કે હાર , કુંડલ , નૂપુર અને વલય પુરુષો તથા સ્ત્રી બંને પહેરતાં . વાળને ઓળતા ને એમાં તેલ નાખતા . સ્ત્રીઓ એને ચોટલાઓમાં ગૂંથતી , જયારે પુરુષો કેટલીક વાર જૂલફાં રાખતા . પુરુષો પાઘડી પહેરતા ને દાઢી રાખતા , જોકે મુંડન અશાત નહોતું .



 સ્ત્રીઓ પુરુષોના જેવો દરજજો ભોગવતી લાગે છે. ઉપનયન વિધિ છોકરીઓને પણ કરાતી ને તેઓ છોકરાઓની જેમ શિક્ષણ પામતી તથા બ્રહ્મચર્ય પાળતી. સ્ત્રીઓ વેદોનું અધ્યયન કરતી ને આપણે વૈદિક સૂક્તો રચતી અનેક સ્ત્રી-ઋષિઓને જાણીએ છીએ . તેઓ સૂત્રકાલ સુધી અધ્યાપનનો વ્યવસાય કરતી ને અવિવાહિતાઓ પણ વૈદિક ક્રિયાકાંડ કરવાનો અધિકાર ભોગવતી .

 સ્ત્રીઓને ઘરમાં પૂરી રાખવી જે પછીના દિવસોના ભારતીય સમાજનું લક્ષણ છે , તેનો કોઈ નિર્દેશ નથી . સ્ત્રીઓ છૂટથી ફરતી ને જાહેર જીવનમાં ભાગ લેતી .

લગ્ન , હાલ છે તેમ , પવિત્ર અને અવિચ્છેદ્ય હતું , બિન-ધાર્મિક કરાર નહિ , પણ ધાર્મિક બંધન હતું . બાળલગ્ન અજ્ઞાત હતું . છોકરીઓને પસંદગીની સ્વતંત્રતા હતી ને પોતાનાં લગ્ન ગોઠવતી છોકરીઓના દાખલા છે. એકપત્નીવિવાહ સામાન્ય નિયમ હતો, જો કે બહુપત્નીવિવાહ શ્રીમંત અને શાસક વર્ગોમાં પ્રચલિત હતો. બહુપતિવિવાહ અને સતીપ્રથા અજ્ઞાત હતાં. પત્ની માનવંતુ સ્થાન ધરાવતી ને ધાર્મિક વિધિઓમાં પતિ સાથે ભાગ લેતી.

 આર્થિક સ્થિતિઃ આર્ય વૈદિક યુગ પહેલાંની ભ્રમણશીલ અવસ્થા વટાવી ગયા હતા , છતાં ખેતીના કામ માટે અને ગાડાં ખેંચવા માટે વપરાતાં ઢોરનાં ધણોને મહત્ત્વ અપાતું હતું. ઘોડા રથો ખેંચવા માટે જોતરાતા, ઘેટાં , બકરાં , ગધેડાં અને કૂતરાં પાળેલાં પ્રાણી હતાં. કૂતરો શિકાર , ચોકી અને ઢોરનું પગેરું શોધવાના કામમાં આવતો. વૈદિક લોકો બિલાડી અને ઊંટથી પરિચિત હતા કે કેમ એ નક્કી નથી. રાની પ્રાણીઓમાં સિંહ , હાથી અને ડુક્કર જાણીતાં હતાં , પણ વાઘ નહિ.

 ખેતી , આર્થિક સ્થિતિનો મુખ્ય આધાર , માનપાત્ર ગણાતી . ખેતીના કામના અનેક તબક્કાઓના ઉલ્લેખ છે , જેમ કે ખેડવું, ચાસમાં વાવવું, લણવું , પૂળા બાંધવા, ખળામાં ઝૂડવું અને ઊપણવું . હળને છ , આઠ કે બાર બળદ પણ ખેંચાતા. સિંચાઈ માટે નહેરો ખોદાતી.

 વેપારમાં સફળતા મળે તે માટેની પ્રાર્થનાઓ ઋગ્વેદમાં સામાન્ય છે, પરંતુ વૈદિક આર્ય કુશળ વેપારી નહોતા. સારા માર્ગ નહોતા . બળદો , ભારવાહી ઘોડા અને કદાચ ઊંટો માલ-વાહનનાં સાધન પૂરાં પાડતા. નદી અને સમુદ્ર બંનેનું વહાણવટું હતું . વસ્તુ - વિનિયની પ્રથા પ્રચલિત હતી, તો પણ નાણું અને હાટ જાણીતાં હતાં . ગાયો અને નિયત મૂલ્યનાં સોનાનાં ઘરેણાં ( નિષ્ક) વિનિમયનાં માધ્યમ હતાં . ચાંદીના કે તાંબાના સિક્કાઓના કોઈ ઉલ્લેખ નથી .

 ઉદ્યોગમાં વિશેષજ્ઞત્વ શરૂ થઈ ચૂક્યું હતું ને સુથાર , લુહાર , ચમાર , વણકર , કુંભાર અને અનાજ દળનારના ધંધા સહિતના અનેક ધંધા જણાવાયા છે .



 વૈધની કરામત , રોગોના દૈવી નિવારકો અને શસ્ત્રક્રિયાના નિષ્ણાતોના સંખ્યાબંધ ઉલ્લેખ છે . રોગોના નિવારણમાં , જાદુમંત્રને ઓષધિઓ અને દવાઓ જેટલું મહત્ત્વ અપાતું .

રાજકીય સંગઠન : કુટુંબ (કુળ) સામાજિક અને રાજકીય કે બંને સંગઠનોના પાયારૂપ બની રહેતું . કુટુંબથી શરૂ કરતાં ચઢતા ક્રમે સરણી હતી ગ્રામ , કબીલો (વિશ) , લોકો કે જનજાતિ (રાષ્ટ્ર ) , જે વૈદિક રાજનીતિની સમુત્ક્રાંતિ દર્શાવે છે . સગાઈનાં બંધનોથી સાથે ગૂંથાયેલાં અને એક સામાન્ય વડાની નીચે રહેતાં કેટલાંક કુટુંબોનો કબીલો બનતો . કેટલાક કબીલા થઈને જન બનતા . રાષ્ટ્ર અનેક જનોને આવરી લેતું , જેમાંનાં કેટલાંક ઋગ્વેદમાં તથા પછીના વૈદિક સાહિત્યમાં જવાવ્યાં  છે , પરંતુ તેઓનું વહીવટી સંગઠન ભિન્ન ભિન્ન હતું .

 આર્ય અને આર્યતર-બંને પ્રકારના શેત્રુઓ સામે સતત વિગ્રહમાં રહેતી પિતૃપ્રધાન કોમમાં રાજતંત્ર સરકારનું સ્વાભાવિક અને સામાન્ય સ્વરૂપ હતું , જો કે ગણોના વડા તરીકે ગણપતિ કે જયેષ્ઠથી બિન - રાજતંત્રીય સંગઠનો પણ સૂચવાય છે. કેટલીક જનજાતિઓ એક પ્રકારનું અલ્પજનતંત્ર ધરાવતી , જેમાં રાજ કુલના અનેક સભ્ય સંયુક્ત રીતે શાસન કરતા .

 રાષ્ટ્ર પર સામાન્ય રીતે રાજા રાજય કરતો . રાજત્વ સામાન્યતઃ વંશપરંપરાગત હતું ને સામાન્ય રીતે અંગ્રજન્મતા દ્વારા ઊતરી આવતું . ચૂંટણી પર આધારિત રાજતંત્ર કદાચ સમૂળું અજ્ઞાત નહોતું , પરંતુ ઋગ્વેદમાં એનો કોઈ સ્પષ્ટ નિર્દેશ નથી.

ને ઋગ્વેદ રાજાના મંત્રીઓ વિશે ઘણી માહિતી આપતો નથી . પુરોહિત અધિકારીઓમાં અગ્રિમ હતો રાજાના ગુરુ , મિત્ર , તત્ત્વજ્ઞ અને માર્ગદર્શક તરીકે એ એનો અનન્ય સાથી હતો , એ યુદ્ધભૂમિમાં રાજાની સાથે રહેતો ને પ્રાર્થનાઓ અને મંત્રો વડે એને ટેકો આપતો. સેનાને દોરનાર સૈનાની અને દીવાની તથા લશકરી ગામનો વડો ગ્રામણી પણ  હતા .

 સૈન્ય પદાતિઓ અને રથીઓનું બનતું . આયુધ લાકડું , પથ્થર , હાડકાં અને ધાતુનાં બનાવતા. ધનુષ અને બાણ એ હરહંમેશનું આયુધ હતું. બાણોની ટોચો ધાતુની અણીઓની કે વિષયુક્ત શૃંગોની બનાવતા. બરછીઓ , ભાલા , ખંજરો , ફરસીઓ , ખડગો અને ગોફણો આક્રમક આયુધ હતાં. ચામડાની ઢાલ, કવચ અને શિરસ્ત્રાણ એ સંરક્ષક આયુધ હતાં . ચલ દુર્ગના અને દુર્ગો પર આક્રમણ કરવા માટેના યંત્રના ઉલ્લેખ કરવામાં આવે છે .

 લોકોનાં જીવન અને મિલકતનું રક્ષણ , શાંતિનું પાલન અને બાહ્ય આક્રમણ સામે રાજ્યનું સંરક્ષણ એ રાજાનાં મુખ્ય કર્તવ્ય હોવાનું જણાય છે. એ લશ્કરી નાયક તેમજ ધાર્મિક વડો હતો, એ સ્થાપિત વ્યવસ્થા અને નીતિનિયમોનો ધારક ( ધૃતવૃત્ત ) હતો .

 રાજા સત્તાનો આપખુદ અમલ કરે તેના પર અંકુશ રાખવા બે લોકપ્રિય સંસદો , સભા અને સમિતિ હતી , જે મહત્ત્વની બાબતો પર લોકોની ઇચ્છા વ્યક્ત કરતી.

 ન્યાયનો અમલ કરવો અને ગુનેગારને સજા કરવી એ બે કામ રાજાનાં મુખ્ય કર્તવ્યોમાં હતાં . એમાંના પહેલાની પતાવટમાં પુરોહિત એને મદદ કરતો. ઉત્તરકાલીન સંહિતાઓના સમયથી , સભા ન્યાયની અદાલત તરીકે પણ કામ કરતી . ચોરી, ઘરફોડ, ધોરી માર્ગ પરની લૂંટફાટ , ઢોર લઈ જવાં અને છેતરપિંડી નોંધાયેલા ગુનાઓમાં છે ,

 દિવ્ય પરીક્ષાઓનો કોઈ ઉલ્લેખ નથી. ધીરધાર અને વ્યાજવટાવને સારી રીતે સમજતા , દેવાદારે એના લેણદારની સેવા કરવી પડતી ને ગુનેગારોને ફાંસી દેવી એ સામાન્ય સજા હતી. હત્યા કરાયેલા માણસનાં સગાંને નાણાકીય વળતર આપવાની પદ્ધતિ અમલમાં હતી કે કેમ એ વિવાદાસ્પદ છે .

જંગમ મિલકત , ઢોર , ઘોડા , સોનું , આયુધો અને દાસોની પૂરી અંગત માલિકી માન્ય હતી . જમીન પર કુટુંબોની માલિકી  હતી ને માલિકીહક કુટુંબના વડા તરીકે પિતાને મળતો , છતાં માલિકીમાં પુત્રોને કોઈ હિસ્સો હતો કે કેમ એ એક વિવાદગ્રસ્ત પ્રશ્ન છે . ઋગ્વેદ'માં દાય નો અર્થ ઇનામ થાય છે , પંરતુ ઉત્તરકાલીન સંહિતાઓમાં તથા બ્રાહ્મણોમાં એ વારસાનો અર્થ ધરાવે છે . પુત્રને પિતાનો વારસો મળતો , પણ પુત્રીને જ્યારે એ એકમાત્ર સંતાન હોય ત્યારે જ . દત્તક લેવાનો અધિકાર માન્ય થયો હતો , પરંતુ પસંદ કરાતો નહિ .

નોંધ:-ગ્રામ,વિશ અને જન શબ્દોનું ચોક્કસ તાત્પર્ય તથા તેઓનો આંતર સંબંપ તદન સ્પષ્ટ નથી કેટલીક વાર આ શબ્દો લગભગ પર્યાય તરીકે પ્રયોજાય છે .

 ધર્મ અને તત્ત્વજ્ઞાન : ઋવેદના યુગમાં ધર્મના મૂળ તત્ત્વ હતાં

 ( ૧ ) જેઓ પ્રકૃતિમાં જે કંઈ ઉમદા , સુંદર કે અસરકારક છે . તેનાં માત્ર સજીવારોપણ છે તેવાં સંખ્યાબંધ દેવો અને દેવીઓમાં શ્રદ્ધા ,

 ( ૨ ) તેઓ લોકોનું ભલું કે બૂરું કરવાની શક્તિ ધરાવતાં , ને તેઓની પાસેથી વરદાન મેળવવા ને તેઓ માણસોને કરવા સમર્થ છે તેવાં અનિષ્ટોને નિવારવા માટે તેઓને ખાદ્ય અને પેય અર્પણ કરીને તૃપ્ત કરવા જોઈએ તેવી શ્રદ્ધા .

( ૩ ) અગ્નિ પ્રગટાવવો અને એમાં ઉત્તમ ખાદ્ય અને પેય પદાર્થ હોમવા , ને એ જ સમયે જે કામ માટે દૂત ગણાય છે તે ખુદ અગ્નિ વડે, અગ્નિમાં હોમેલા પદાર્થ જે દેવને પહોંચાડવાના છે તે દેવની સ્તુતિનાં સૂક્ત બોલવાં .

 તેઓ પ્રકૃતિનાં મહાન તત્ત્વો , જેને તેઓ જીવંત ગણતા ને સામાન્ય રીતે માનવાકાર સ્વરૂપમાં રજૂ કરતા , તેઓનાથી ગાઢ રીતે પ્રભાવિત થયા હતા . તેઓ દેવોના સંકીર્ણ અને વિવિધ ગણમાં શ્રદ્ધા ધરાવતા , જે સંખ્યામાં ૩૩ હતા. ઘણી અનુકાલીન પરંપરા પ્રમાણે તેઓને પૃથ્વીના, અંતરિક્ષના અને સ્વર્ગના સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા. અગ્નિ , ઇન્દ્ર અને વરુણ એ ક્રનશઃ એના મુખ્ય દેવ હતા . આરંભિક દિવસોમાં મુખ્ય દેવ પ્રાકૃતિક તત્ત્વોના સજીવારોપણમાંથી ઉદ્ભવ્યા , જેમ કે આકાશ (ધુ) , ધરતી ( પૃથિવી ) , આકાશનો દેવ (વરુન) વાવાઝોડાનો દેવ ( ઇંદ્ર) , સવાર અને સાંજના તારા ( અશ્વિનો ) અને પ્રભાતની દેવી (ઉષા) . તેઓની સાથે આવ્યા ગૃહ્ય દેવ , જેઓમાં એમનાં ત્રણ સ્વરૂપો (સ્વર્ગમાં સૂર્ય , અંતરિક્ષમાં વિદ્યુત અને પૃથ્વી પર અગ્નિ) માં રહેલા દેવતાના દેવ (અગ્ની) નો અને સોમ ( અમરતાની તૃષા , કેટલીક વાર ચંદ્ર સાથે અભિજ્ઞાત ) નો સમાવેશ થતો . પછીથી ધાતા ( સ્થાપક ) , વિધાતા ( નિર્માણ કરનારા ) , પ્રજાપતિ ( પ્રાણીઓના સ્વામી ) , શ્રદ્ધા અને મન્યુ ( ક્રોધ ) જેવા સૂક્ષ્મ દેવોએ દેખા દીધી . કેટલીક વાર દેવોને પ્રાણીઓ તરીકે કથ્યા છે , પરંતુ પ્રાણી - પૂજાની કોઈ નિશાની નથી . વૈદિક આર્ય આમ દેવોના ગણને પૂજતા , પરંતુ વારા ફરતી દરેક દેવ સહુથી ઉચ્ચદેવ તરીકે પૂજાતો .

ધર્મ ઉપર જણાવેલી સાદી ક્રિયાવિધિઓ જે યજ્ઞ તરીકે ઓળખાતી તે સાથે થતી દેવોની પૂજાનો બનેલો હતો . પૂજા મુખ્યત્વે હોમ અને પ્રાર્થનાની બનતી . યજ્ઞ દૂધ , ઘી , ધાન્ય , માંસ અને સોમની આહુતિઓનો થતો .

 આ વિકાસોમાંથી ગૂઢ તત્ત્વજ્ઞાન ઉદ્ભવ્યું , જેણે દેવોના બાહુલ્ય સામે હિંમતપૂર્વક શંકા ઉઠાવી ને વિશ્વના અંતિમ એકત્વને વિભિન્ન નામોથી ઓળખાતા એક ઈશ્વરની સૃષ્ટિ તરીકે પ્રતિપાદિત કર્યું .

 ઋગ્વેદ મૃત્યુ પછીના જીવન સંબંધી કોઈ સુસંગત મત આપતો નથી . શબને કાં તો દાટતા કે કાં તો બાળતા , ને કેટલાંક વિધાનો પ્રમાણે મૃત જન મૃત જનોના રાજા યમના રાજ્યમાં રહેતા .

 

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home