Friday, November 6, 2020

ઉત્તરકાલીન વૈદિક સભ્યતા

 

                                                 ઉત્તરકાલીન વૈદિક સભ્યતા

 ઉત્તરકાલીન વૈદિક સભ્યતા શબ્દપ્રયોગ જયારે ઉત્તરકાલીન સંહિતાઓ - અથર્વ, યજુ અને સામ તથા બ્રાહ્મણો અને સૂત્રો રચાયાં તે કાલ દરમ્યાનની લોકોની ધાર્મિક , સામાજિક , આર્થિક અને રાજકીય સ્થિતિમાં થયેલાં પરિવર્તનો તથા વિકાસનો અર્થ દર્શાવે છે .

ધર્મ અને તત્ત્વજ્ઞાન : ધર્મ અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં ગણનાપાત્ર વિકાસ થયો. પૂજાની સાદી વિધિના સ્થાને સત્તર જેટલા પુરોહિતનું કામ પડે તેવી અટપટી પ્રક્રિયારૂપે વિસ્તૃત યજ્ઞ આવ્યા. વરુણ અને પૃથિવી જેવાં કેટલાંક પ્રાચીન દેવદેવીઓ ગૌણ બની ગયાં , જયારે રુદ્ર અને વિષ્ણુ જેવા નવા દેવ મહત્ત્વ પામ્યા .

 ઉત્તરકાલીન સંહિતાઓ અને બ્રાહ્મણોમાં યજ્ઞનું પ્રાધાન્ય પ્રવર્તે છે. માયા , પુનર્જન્મ , જીવાત્માનું પરમાત્મા સાથે અભિજ્ઞાન અને મુક્તિના સિદ્ધાંત, જે પછીના લેખકોએ વિકસાવેલાં જુદાં જુદાં દર્શનોના પાયા છે ને જે હિંદુ ધર્મના મુખ્ય સિદ્ધાંતો તરીકે સ્વીકારાય છે તે પહેલવહેલા ઉપનિષદોમાં દેખા દે છે .

 સામાજિક જીવનઃ જે યગ્નોની વિસ્તૃત અને અટપટી ક્રિયાવિધિ ચોકસાઈથી કરી શકે તેવા માણસોના તાલીમ પામેલા વર્ગની જરૂરિયાતે વિદ્વાન માણસોના એક વિશિષ્ટ સમૂહની વૃદ્ધિ કરી , જે બ્રાહ્મણો તરીકે ઓળખાયા ને સંખ્યામાં થતા વધારા સાથે ક્રમશ ધાર્મિક કાર્યો સાથેના તેઓના સંસર્ગને લીધે સંમાનિત એવો સમાજ માંનો વિશિષ્ટ વર્ગ બની રહ્યા . પૂર્વ તથા દક્ષિણ તરફ આર્યોના થયેલા વધુ વિસ્તરણને લીધે માણસોનો એક સમૂહ પ્રગટ થયો , જેને મૂળ રહેવાસીઓ સાથે યુદ્ધ કરવામાં અને તેઓની પાસેથી જીતેલા મુલકોનો વહીવટ કરવામાં પોતાનો સમય પૂરેપૂરો કે મુખ્યત્વે ગાળવો પડતો . આમ , ક્ષત્રિયો તરીકે ઓળખાતો બીજો વર્ગ ઊભો થયો . જેમ બ્રાહ્મણો આધ્યાત્મિક બાબતોમાં તેમ તેઓ ભૌતિક બાબતોમાં પ્રભુત્વ ધરાવતા . બાકીના આર્યો કરતાં આ બે ઘણો વધુ ઊંચો દરજજો ધરાવતા ગણાય એ અનિવાર્ય હતું . બાકીના આર્યોનો તેથી વૈશ્યો ( વિશ = લોકો પ૨ થી ) તરીકે ઓળખાતો અલગ વર્ગ થયો . આર્યોતરોનો સમાજમાં ચોથો વર્ગ થયો ને તેઓ શુદ્રો તરીકે ઓળખાવા લાગ્યા . આ વિભાગ પહેલાં બહુ ચુસ્ત નહોતા , કેમ કે ધંધો બદલીને બીજા વર્ગમાં પ્રવેશ પ્રાપ્ત કરી શકાતો , પરંતુ ધીમે ધીમે વર્ગ વંશપરંપરાગત થયા ને વૈશ્યોના સંખ્યાબંધ ધંધાદારી વર્ગોમાં પેટા - વિભાગ પડ્યા , જે પણ વંશપરંપરાગત થવા લાગ્યા , જન્મ દરેકના વર્ગનું એકમાત્ર નિર્ણાયક લક્ષણ થયો ને એ જ્ઞાતિમાં પરિવર્તન પામ્યો . જ્ઞાતિપ્રથા પછીના હિંદુ સમાજમાં આવતા અંતિમ સ્વરૂપે ક્યારે પહોંચી એ કહેવું મુશ્કેલ છે .   

સામાન્ય રીતે એમ કહી શકાય કે બ્રાહ્મણોની સત્તા તથા પ્રતિષ્ઠા વધતી ગઈ , જો કે સર્વોપરિતા માટેના તેઓના દાવા અંગે ક્ષત્રિયો સફળતાથી સામે થતા . પરિણામે , એ બે જ્ઞાતિઓ વૈશ્યો અને શૂદ્રોને નકારાયેલા ખાસ અધિકાર ભોગવતી . ચાર જ્ઞાતિઓ માટે સંબોધનના જુદા જુદા પ્રકાર વિહિત કરાયા . સાંસ્કૃતિક પ્રગતિના પરિણામે થયેલો સંખ્યાબંધ કલાઓ તથા હુન્નરોનો ઉદય ધંધાઓ પર આધારિત પેટા જ્ઞાતિઓની ઉત્પત્તિમાં પરિણમ્યો . અનેક અંતર્વર્તી જ્ઞાતિઓ પણ નીકળી .

 જ્ઞાતિનો પલટો , ઘણો વિરલ હોવા છતાં , હજી સંભવિત નહોતો . ઊંચી જ્ઞાતિઓ નીચી જ્ઞાતિઓ સાથે લગ્નસંબંધ બાંધી શકતી , પણ શૂદ્રો સાથેનું લગ્ન માન્ય થતું નહિ . સ્પર્શદોષનો વિચાર અભિવ્યક્તિ પામે છે . શૂદ્રોને યજ્ઞો કરવાનો અધિકાર અપાતો નહિ . હજી આંતર - ભોજન સામે કોઈ નિષેધ નહોતા ને જ્ઞાતિપ્રથાએ સૂત્રકાલમાં કરી તેવી ચુસ્તતા પ્રાપ્ત કરી નહોતી .

 બ્રહ્મચારી , ગૃહસ્થ , વાનપ્રસ્થ અને સંન્યાસીના ચાર આશ્રમોનો સહુથી પ્રાચીન સ્પષ્ટ નિર્દેશ જાબાલ ઉપનિષમાં મળે છે . છાંદોગ્ય ઉપનિષ પહેલા ત્રણ આશ્રમોનો સ્પષ્ટ ઉલ્લેખ કરે છે . વિદ્યાર્થી અને ગૃહસ્થના આશ્રમ સામાન્ય સામાજિક જીવનના માળખામાં પડે છે , જ્યારે સંન્યાસીનો આશ્રમ વ્યવસ્થિત વાનપ્રસ્થજીવનના અસ્તિત્વની પૂર્વધારણા રાખે છે .

સામાજિક જીવનનાં બીજાં પાસાંમાં નહિવત્ ફેર હતો . વેષની અગાઉની શૈલી ચાલુ રહી , છતાં વસ્ત્ર રેશમનાંય બનાવાતાં ને એને કેસૂડાં વડે રંગતા . માંસાહાર સામેનું વલણ ધીમે ધીમે કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતની અસર નીચે વધતું જતું હતું .

 સ્ત્રીઓની સ્થિતિમાં અવનતિ આવી હતી . પુત્રી દુઃખનું મૂળ ' ગણાવા લાગી . સ્ત્રીઓ સભા'માં હાજર રહી શકતી નહિ , તેઓને વારસામાંથી બાકાત રાખી હતી ને શૂદ્રોની સાથે , તેઓ પણ મિલકતની માલિકી ધરાવી શકતી નહિ ; સ્ત્રીઓ જે કંઈ કમાતી તે તેઓના પતિઓની કે પુત્રોની મિલકત ગણાતી .

 ઉત્તરકાલીન સંહિતાઓ ઉપનયનનો ઉલ્લેખ કરે છે , ને શતપથ બ્રાહૃાણમાંનું એનું વર્ણન દર્શાવે છે કે એમાં ગૃહ્ય સૂત્રોમાં વિસ્તારથી નિરૂપેલી વિધિનાં સર્વ મુખ્ય લક્ષણ હતાં . અભ્યાસ માટેનાં વિષયોની યાદી જ્ઞાનનો વિશાળ વિસ્તાર દર્શાવે છે , જે માત્ર વેદો , ઇતિહાસ , પુરાણો અને વ્યાકરણ નહિ , પણ જ્યોતિષ , યુદ્ધવિદ્યા , ન્યાય અને ભાવિકથનના જ્ઞાનને આવરી લે છે . ચારિત્ર્યનો વિકાસ એ શૈક્ષણિક પદ્ધતિનુ લક્ષ્ય હતું ને નૈતિક તાલીમ એ એની કરોડરજુ હતી . ઉપનિષદો એ પદ્ધતિ વડે થયેલ ઉચ્ચ બૌદ્ધિક વિકાસની પ્રતીતિ કરાવે છે . કેટલાય સમર્થ ક્ષત્રિય ઉપાધ્યાય હતા ને ઉપાધ્યાયાઓ પણ હતી .

 આર્થિક સ્થિતિઃ કૃષિ અને પશુપાલનમાં પ્રગતિ સ્થિર અને સતત હતી . હળ મોટું અને ભારે , તીક્ષ્ણ અણી અને સુવાળા હાથાવાળું થયું ને કેટલીક વાર એને ચલાવવા માટે ૨૪ જેટલા બળદોની જરૂર પડતી . ખાતરની જાણ  હતી . ચોખા , જવ , કઠોળો , તલ અને ઘઉં ઉગાડાતા . ફળાઉ વૃક્ષ રોપાતાં.વર્ષમાં બે પાક લેવાતા . પાકને લગતા ભયોમાં અનાવૃષ્ટિ , અતિવૃષ્ટિ અને રોગચાળા જણાવાયા છે .

 ઔધોગિક જીવને અપૂર્વ વકિાસ નિહાળ્યો ને તરેહ -તરેહના નવા ધંધા-માછીમારો , શિકારીઓ અગ્નિરક્ષકો , સારથિઓ , ધોબીઓ , રંગારા , દ્વારપાળો અને પદાતિઓ વગેરેના અસ્તિત્વમાં આવ્યા . વિશેષજ્ઞતા ઘણી વિકસી ગઈ હતી . દાખલા તરીકે રથ ધડનાર અને સુથાર વચ્ચે , ચમાર અને ચામડાં કેળવનાર વચ્ચે ને ધનુષ બનાવનાર અને બાણ બનાવનાર વચ્ચે ભેદ પડાતો હતો . સ્ત્રીઓ રંગરેજ , ભરત ભરનાર અને ટોપલી બનાવનાર તરીકે કામ કરતી . નાટકનો કોઈ પ્રકાર અસ્તિત્વમાં આવ્યો જણાય છે , કેમ કે આપણને નટોનો ઉલ્લેખ મળે છે .

 ધાતુઓના જ્ઞાનમાં પ્રગતિ થઈ હતી . ઋગ્વેદમાં પ્રાપ્ત સુવર્ણ અને અયસ્ (જેના અર્થ તાંબુ અથવા લોખંડ એવા જુદા જુદા કરાયા છે) ઉપરાંત કલાઈ , સીસું , રૂપું અને લોહનો ઉલ્લેખ છે .

 ગણો અને શ્રેષ્ઠીઓના ઉલ્લેખ વેપારીઓનું શ્રેણીઓમાં સંગઠન દર્શાવે છે . નિષ્ક , શતમાન અને કૃષ્ણલ મૂલ્યનાં અનુકૂળ એકમો તરીકે પ્રયોજાતાં , નિષ્ક પ્રાયઃ નિયત તોલનો સોનાનો ગઠ્ઠો હતો , જયારે કૃષ્ણલ એક રતીનો તોલ ધરાવતો . પરંતુ આ સિક્કા હતા કે કેમ એ શંકાસ્પદ છે .

 રાજકીય સંગઠન : રાજતંત્ર (રાજાશાહી) શાસનનું સામાન્ય સ્વરૂપ બન્યું . રાજતંત્રની ઉત્પત્તિ માટે તર્ક - વિતર્ક પણ થતા હતા . જણાવાયું છે કે દાનવો વડે સતત પરાજિત થઈ દેવોએ ઇંદ્રને રાજા તરીકે ચૂંટ્યો ને અંતે તેઓ વિજયી થયા . બીજે , ઇન્દ્રને એનાં જોમ , સામર્થ્ય , વીર્ય અને પૂર્ણત્વ માટે પ્રજાપતિ વગેરે દેવોએ રાજા તરીકે સ્થાપ્યો હોવાનું કહેવાય છે. બીજે સ્થળ વરુણે શક્તિ અને નેતૃત્વમાં બીજાઓ ઉપર પોતાનું ચડિયાતાપણું સિદ્ધ કરી માન મેળવ્યાં હોવાનું કહ્યું છે . આમ એ સ્પષ્ટ છે કે યુદ્ધ ના મહત્વે રાજતંત્ર ઉત્પન્ન કર્યું . રાજતંત્ર લશ્કરી જરૂરિયાતમાં ઉદ્ભવે છે ને સંમતિમાં પોતાનું કાયદેસરપણું મેળવે છે , ’ અથવા એ ઉત્તમ ગુણો ધરાવવા પર આધારિત ચૂંટણીમાં ઉદ્ભવ્યું . વંશપરંપરાગત ઉત્તરાધિકાર સામાન્ય ચાલ હતો એ દસ પેઢીઓ માટેનું રાજ્ય ' જેવાં પદોથી માલુમ પડે છે .

 રાજયોના કદના વિસ્તારમાંથી અને જૂના અમીર - ઉમરાવોને બદલે અમલદારોના સમૂહમાંથી થયેલા રાજાની સત્તાના વધારામાં રાજાના દેવત્વના વ્યાપક સ્વીકારથી વધુ વૃદ્ધિ થઈ . રાજા બ્રાહ્મણો સિવાય સર્વ પ્રજાજનોનો પૂર્ણ સ્વામી હોવાનો દાવો કરતો . વૈશ્યો પર મરજી મુજબ ત્રાસ વરસાવી શકાતો ને શૂદ્રોને મરજી મુજબ કાઢી મૂકી અને મારી નાખી શકાતા . સર્વાધિપતિ તરીકે , રાજા જનજાતિની ભૂમિ પર અંકુશ ધરાવતો , પણ એનો માલિક ન હતો . રાજા પ્રજાપતિનું દૃશ્ય પ્રતીક હોવાનો સિદ્ધાંત એ કેવી રીતે એક હોવા છતાં અનેક ઉપર શાસન કરે છે એ સમજાવવા માટે ઉચ્ચારાતો .

જન્મ કરતાં શાસકીય કર્તવ્યો પર આધારિત કુલીનોનો નવો પ્રકાર ઉદ્ભવે . રાજસત્તાના વિકાસ સાથે રાજ્ય વહીવટનું તંત્ર આવ્યું , ઉત્તરકાલીન સંહિતાઓ રત્નીઓ ( સલાહકારોની સમિતિના સભ્યો) નો નિર્દેશ કરે છે , જે અંશતઃ રાજાના સગાઓ , અંશતઃ એના દરબારીઓ અને અંશતઃ રાજાને મદદ કરતા રાજ્યતંત્રનાં મુખ્ય ખાતાના વડાઓના બનેલા હતા . પુરોહિત , સેનાની ( સેનાપતિ ) , સૂત ( સારથિ ) , સંગ્રહીતા ( કોષાધ્યક્ષ ) અને ભાગદુઘ ( કર ઉઘરાવનાર ) અને જે વિભાગોના વડા હતા તેઓના ઉલ્લેખ છે . વળી રાજસભામાંના સભ્ય પણ હતા , જેમાં મહિષી ( મુકુટધારી રાણી ) , સત્તા ( કંચુકી ) અને અક્ષાવાપ ( ક્રીડા - સાથી ) નો સમાવેશ થતો . ગ્રાત્તણી ( ગામનો વડો ) ગામનો વહીવટ કરતો . બ્રાહ્મણ ગ્રંથો પૂર્વકાલીન યાદમાં બીજાઓ પૈકી સ્થપતિ (રાજ્યપાલ કે મુખ્ય ન્યાયાધીશ) , મૃગયુ , દૂત , મંત્રી ( સયા , બાબત ) વગેરેને ઉમેરે છે .

 નવો અધિકારી વર્ગ મહાન સત્તા અને લાગવગ ધરાવતો એવું તેમાંના ઘણા ખરાને માટે પ્રયોજાતા રાજ - કર્તાઓ ' અને રાજાના મુખ્ય સમર્થકો પદવીઓ પરથી તેમજ રાજાને રાજયાભિષેકમાં આ અધિકારીઓનાં ઘરોની મુલાકાત લેવી પડતી એ હકીકત પરથી દેખાય છે .

રાજતંત્ર તથા લોકસભાઓ - બંનેને રાજકીય હકો અને અધિકારો આપેલ દૈવી સંસ્થાઓ લેખવામાં આવતાં . રાજા હમેશાં લોકસભાઓની સત્કૃપા શોધતો , ને તેઓની કૃપા કે તેઓનો ટેકો ગુમાવવો તે રાજા માટે ભયંકર આપત્તિ નીવડતું . છતાં સમિતિ , જે ઉત્તરકાલીન સંહિતાઓના સમયથી ધીમે ધીમે લુપ્ત થવા લાગી હતી , તે ઉત્તર વૈદિક કાલમાં પૂરેપૂરી લય પામી ગઈ એવું માલૂમ પડે છે તે આશ્ચર્યજનક છે . ઉપનિષદોમાં સમિતિ ' માત્ર વિદ્વત્સભા એવો અર્થ ધરાવે છે , જેનો અધ્યક્ષ કેટલીક વાર રાજા હતો . સભા ' ગામની લોકસભા હોવાને બદલે , રાજસભા કે ગુપ્ત સમિતિ કે ન્યાયસભા તરીકે ચાલુ રહી .

 આ યુગનું સાહિત્ય અદાલતી બાબતો પર વધુ પ્રકાશ પાડે છે . રાજા ફોજદારી કાયદાના વહીવટમાં ઘણો સક્રિય ભાગ લેતો . ગર્ભહત્યા , મનુષ્યવધ - ખાસ કરીને બ્રાહ્મણની હત્યા , સૌનાની ચોરી અને સુરાપાનનો ગંભીર ગુનાઓમાં સમાવેશ થતો. રાજદ્રોહ દેહાંતદંડને પાત્ર અપરાધ હતો, પરંતુ એની વાસ્તવિક પ્રક્રિયા વિશે ખરેખર કંઈ જાણવા મળતું નથી . દીવાની કાયદામાં , ઉપર જણાવ્યા મુજબ , સ્ત્રીઓને વારસાનો અને મિલકતની માલિકીનો હક અપાતો નહિ .


0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home